કરકસર....નીતી અને પર્યાવરણ





• કરકસર....નીતી અને પર્યાવરણ

           ઘણીવાર કેટલાક માણસો ની વર્ષોથી અને સ્વભાવ થી જ કરકસર ની આદત બની ગઈ હોય છે. એટલે કે, નાની નાની વાતોમાં વપરાતી વસ્તુઓ નો કરકસર પૂર્વક ઉપયોગ કરવાની આદત હોય છે અને કરકસર પૂર્વક ની આ આદતો તેઓના જીવનમાં એટલી હદે વણાઈ ગયેલી હોય છે કે તેઓ પોતાના રોજિંદા જીવનમાં વપરાતી દરેક વસ્તુઓ માં નાની હોય કે મોટી હોય ક્યાંક ને ક્યાંક એનો કરકસર થી ઉપયોગ કરે છે અને બને ત્યાં સુધી તે વસ્તુઓ કરકસર પૂર્વક વાપરવાની કોશિશ કરે છે.પછી ભલે ને આવી કરકસર કરવાની તેઓના જીવનમાં જરૂરિયાત ના પણ હોય.અને તેઓ જગતમાં રહેલી તમામ વસ્તુઓ ખરીદી શકવાની ક્ષમતા ધરાવતા હોય અથવા તમામ વસ્તુઓ પ્રાપ્ત હોવા છતાં તેનો કરકસર પૂર્વક વપરાશ કરવાનો આગ્રહ રાખતા હોઇ છે.અને લોકોને પણ આ બાબતે ઘણી વાર સલાહ પણ આપતા હોય છે અથવા તેઓ પાસેથી પણ એજ પ્રકારના કરકસર ની અપેક્ષા રાખતા હોય છે.અને એવું એક નામ આપુ તો એ છે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી.તેઓ પણ કરકસર નીતી ના આગ્રહી હતા.અને તેઓ પણ પોતાના જીવનમાં જેટલી વસ્તુઓ ની અને જેટલાં પ્રમાણમાં જરૂરિયાત હોય તેટલી જ વસ્તુઓ અને તેટલા જ પ્રમાણમાં વસ્તુઓ નો ઉપયોગ કરતા.




          ઘણીવાર કોઈ કામમાં વપરાતી વસ્તુનો વપરાશ ખૂબ મોટા પ્રમાણમાં હોય અને જો તેનો કરકસર પૂર્વક ઉપયોગ કરવામાં આવે તો તેની ખૂબ મોટા પાયે બચત કરી શકાય છે પણ મોટાભાગના લોકોમા આ આદત કીમતી વસ્તુઓ પુરતી જ સીમિત હોય છે.પરંતુ કેટલાક કામ એવા હોય છે કે જેમાં વપરાતી વસ્તુઓ નું મૂલ્ય ઓછુ હોય ત્યારે આવી આદત ને બાજુએ મુકી દેવામાં આવે છે..કારણ વસ્તુનું મૂલ્ય ઓછું છે અને મનમાં એક ડર કે લોકો કદાચ મને આવી નાની બચત માટે કયાંક હાંસીપાત્ર ન બનાવી મૂકે. અથવા મને કયાંક કંજૂસ હોવાનું ઉપનામ ન આપી દે (નોંધ:- અહીં વાત કરકસર યુક્ત જીવન જીવવાની છે,કંજુસાઈ થી નહી.....કરકસર અને કંજુસાઈ માં તફાવત છે.કરકસર એટલે જીવનમાં જેટલી વસ્તુની જેટલા પ્રમાણ માં જરૂર છે તેટલી જ અને તેટલા જ પ્રમાણમાં ઉપયોગ કરવો એથી વધારે નહી અને કંજુસાઈ એટલે જરૂરિયાત હોવા છતાં તેનો ઉપયોગ ન કરવો અથવા જરૂરિયાત કરતા ઓછો ઉપયોગ કરવો,પણ વ્યક્તિ એ પોતાની કાર્યપદ્ધતિ અને જીવન શૈલી ના ઉપયોગ દ્વારા આ બંને શબ્દો વચ્ચે બૅલેન્સ જાળવી રાખવું પડે ).પણ ,મજબૂત મનોબળ વાળા લોકો ઉપર આવી ટીકાઓનો અને પોતાની પ્રવૃત્તિઓ ની ઉડતી મજાક ની કોઇ અસર થતી નથી. તેઓ કોઇ કાર્ય કર્તા પહેલા લોકો શું વિચાર કરશે એનો પણ ખ્યાલ રાખતા નથી. અને આજ રીતે લોકો શું વિચારે એની ચિંતા કર્યા વિના જો પોતાના દરેક નાના મોટાં કામની અંદર બચત કરવાની વૃત્તિ કેળવીએ તો ભલે તમારો પોતાનો ખૂબજ નજીવા પ્રમાણમાં ફાયદો થાય કે ન થાય પરંતુ આડકતરી રીતે તમે કુદરત નો કે પર્યાવરણ નો તો ફાયદો કરી જ શકો છો.

          આજ રીતે જો મારી વાત કરું તો મારો સ્વભાવ પણ ગાંધીજી ની કરકસર નીતી થી પ્રેરાઈને ક્યાંક ને ક્યાંક હું પણ એજ માર્ગે ચાલી રહ્યો છું. હું પણ મારા જીવનમાં દરેક વસ્તુનો શક્ય હોય ત્યાં સુધી જરૂર પૂરતો જ અને ખપ પૂરતો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખું છું.જેટલી વસ્તુઓ અને જેટલાં પ્રમાણ માં મારે તેની જરૂર છે હું તેટલી જ વસ્તુઓ નો અને તેટલાં જ પ્રમાણમાં તેનો ઉપયોગ કરું છું. અને આ સ્વભાવ અને વિચારને લીધે હું તેનો મારા રોજીંદા જીવનમાં અમલ પણ કરું છું. આ પ્રકારે તમે ફક્ત બચત જ નથી કરતાં પણ સાથે સાથે પર્યાવરણ નું પણ જતન કરી શકો છો.અને આ જ વાત ને કેન્દ્ર માં રાખીને તમે આ પ્રકારની વૃત્તિ કેળવી શકો છો .જેનું એક નાનું ઉદાહરણ આપું તો હું મારા ઓફિસ કામની અંદર બને ત્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ઓછા કાગળનો ઉપયોગ કરવાની કોશિશ કરું છું.અથવા ઓછા કાગળનો ઉપયોગ થાય તે રીતે કામગીરી કરું છું અથવા કાગળ ની પ્રિન્ટ આઉટ દરમ્યાન કાગળની બંને બાજુનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખું છું.અથવા ઘણીવાર તો નકામા એક બાજુ વપરાયેલા અને બીજી બાજુ કોરા હોય તેવા કાગળો નો સંગ્રહ કરી ફરી તેનો ક્યાંક ને ક્યાંક મારા કામમાં ઉપયોગ કરું છું.જેને હું મારી કરકસર ની નીતી નો એક ભાગ માનું છું.અને મારી પર્યાવરણ પ્રત્યે ની ફરજ પણ. મારું આવું જ કામ ઘણીવાર કેટલાક લોકો જુએ જેવા કે ઓફિસમાં આવતા ઇજારદાર શ્રી અથવા અન્ય કોઈ કર્મચારીઓ તો મજાક મજાક માં એવું કહેતા હોય છે શું ઉમાકાંત ભાઈ વપરાયેલા કાગળનો ઉપયોગ કરો છો નવો કાગળ લો. આમ,એક કાગળમાં તમારું શું ઓછું થઈ જશે ત્યારે સામે મારો એક જ જવાબ હોય છે કે ભાઈ એક કાગળ બચાવવા થી ભલે મારો કોઈ મોટો ફાયદો થાય કે ન થાય પણ જ્યાં સુધી આ કાગળ નો સંપૂર્ણ ઉપયોગ નહીં થાય એટલે કે કાગળની બંને બાજુ નો ઉપયોગ ન થાય ત્યાં સુધી હું નવો કાગળ વાપરવાની કોશિશ નથી કરતો અને આમ કરીને મારો ફાયદો નથી જોતો પણ કુદરતી ફાયદો જોવું છું જો ઓછા કાગળ માં મારું કામ ચલાવી લઇશ તો તેમ કરીને હું જેટલા પાનાં બચાવીશ તો સામે ક્યાંક ને ક્યાંક કેટલાક વૃક્ષો નું છેદન અથવા નાશ ઓછો થશે અને અંતે આડકતરી રીતે પર્યાવરણ નું જતન જ છે અને એટલે જ મને મારી આ કરકસર નીતિ ખૂબ જ ગમે છે ત્યારે ફરી પાછો સામે છેડેથી એક પ્રશ્ન આવે કે તમે એકલા આમ આવી કરકસર કરીને શું ફાયદો કરશો તમારા એકના કરકસર થી આખી દુનિયા થોડી કરકસર શરૂ કરી દેવાની છે તો હું કહું કે ભલે દુનિયા કરકસર કરે ન કરે હું તો મારા થી પ્રથમ શરૂઆત કરું, દુનિયાની સુધરવાની રાહ હું શું કામ જોવું હું પહેલા મારા થી શરૂઆત કરું સુધરવાની. કદાચ એવું પણ બને કે મારી આ આદત કાલ ઊઠીને આખી દુનિયા આદત બની જાય ત્યારે મારો આવો જવાબ સાંભળી સામે જવાબ મળતો ચાલો, જોઈએ દુનિયા સુધરે છે કે નહીં.પણ,આજે મને લાગે છે એ સુધારાની શરૂઆત હવે કદાચ થઈ ગઈ છે.માનનીય સુપ્રિમ કોર્ટે ગઈ કાલે પોતાની અરજીઓની સુનાવણીમાં કાગળની બંને તરફનો ઉપયોગ થાય તો વર્ષે ૨.૪ કરોડ પાનાં બચશે. જેનાથી ૨૯૫૩ વૃક્ષો નો બચાવ થશે એમ કહ્યું. સુપ્રિમ કોર્ટે એવું પણ કહ્યું કે હાઈકોર્ટ જિલ્લા કોર્ટમાં આ નિયમ લાગુ થાય તો દર મહિને ૨૨.૫ કરોડ એટલે કે ૨૭ હજાર વૃક્ષો ની બચત થશે. વિચાર કરો જો ભારતની દરેક સરકારી કચેરીમાં,દરેક ખાનગી કંપનીમાં કે પછી પોતાના અંગત હેતુ માટે વપરાતા કાગળનો આ રીતે ઉપયોગ કરવામાં આવે તો વર્ષે કેટલા કાગળ બચાવી શકાય અને તે સામે કેટલા વૃક્ષ બચી શકે. અને આ રીતે કરકસર પૂર્વક ના કાગળનો ઉપયોગ જો કોઈ વ્યક્તિ કે સંસ્થા દ્વારા કરવામાં આવે તો તેઓને સીધો લાભ અને આડકતરી રીતે પર્યાવરણ નો બચાવ કરી પર્યાવરણ ને લાભ પહોંચાડી શકાતો હોય તો આવી કરકસર નીતિ દરેકે અપનાવવા જેવી છે. અને ફક્ત આજ એક કામ નહી બીજા પણ આવા ઘણા કામ છે જે થકી તમે તમારું અને પર્યાવરણ બંને ને લાભ આપી શકો છો 

જેમ કે,

૧.નકામું વ્યર્થ વહી જતું પાણી અટકાવો.
૨. કામ વગરના વીજળી ના સાધનો નો ઉપયોગ બંધ રાખો. વીજ શુલ્ક ઓછો આવશે
૩. શક્ય હોય ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપૉર્ટ નો વધુ ને વધુ ઉપયોગ કરો.
૪. સિગ્નલ ક્રોસિંગ પર ઊભા રહેવાનું થાય તો ગાડી બંધ રાખો. પેટ્રોલ ની બચત થશે.
આવી કેટલીક નાની નાની બાબતો તરફ જો ધ્યાન રાખવામાં આવે તો પણ પર્યાવરણનું જતન કરવામાં આપણે સહભાગી બની શકીએ છીએ છે.
અંતે એટલું કહીશ કે ભલે પર્યાવરણનું જતન કરવા માટે તમારી પાસે સમય ન હોય અથવા ન આપી શકો તો કંઈ વાંધો નહીં પરંતુ પોતાના રોજીંદા કાર્યો થકી જો પર્યાવરણનું જતન થઈ શકતું હોય તો તેવા કાર્યોમાં જાગરૂકતા રાખી પર્યાવરણનું જતન કરવાની ટેવ કેળવો.

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ

આપના પ્રતિભાવ જણાવશો