-કારકિર્દી : જીંદગીની ઈમારતનો મજબૂત પાયો નાખવાની શરૂઆત

-કારકિર્દી : જીંદગીની ઈમારતનો મજબૂત પાયો નાખવાની શરૂઆત

ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી પોતાના કાર્યમાં કાર્યરત રહો....સ્વામી વિવેકાનંદના આ સૂત્રને તો તમે જાણો જ છો જે જિંદગીમાં એક ધ્યેય નક્કી કરવા તથા તે પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કાર્ય કરતાં જવાની પ્રેરણા આપે છે. મનુષ્યને પોતાની જીંદગીની ઈમારતનો પાયો મજબૂત કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેવું અને તે માટે જરૂરી નિર્ણયો યોગ્ય સમયે લેવા પણ પડે છે. જે રીતે આપણે કોઈ ઈમારતનું નિર્માણ કરતી વખતે તેના પાયાનું મજબૂત નિર્માણ કરીએ છીએ તે રીતે જીંદગીમાં સફળ થવા માટે તથા સફળતા પ્રાપ્ત કરવા માટે યોગ્ય કારકિર્દીનું નિર્માણ (ઘડતર) પણ કરવું જોઈએ. 

જિંદગી હર કદમ એક નયી જંગ હૈ... અથવા રૂક જાના નહી તું કહી હાર કે...જેવા અનેક ગીતોના શબ્દોમાં રહેલો ભાવ વિદ્યાર્થી અવસ્થાથી જ જો કોઈ વ્યકિતને સમજાઈ જાય તો સમજો વ્યકિતનો બેડો પાર થઈ જાય છે. અને એ ગીતો વ્યક્તિગત સામુહિક સંવેદનો અને ઘટનાઓનું પ્રતિબિંબ છે. જે દરેકને જીવનમાં બળ આપે છે. હિંમત આપે છે, ઉત્સાહ આપે છે.

મને આ વાત પર લખવાની એટલા માટે ઈચ્છા થઈ કારણ કે હમણાં જ ઘણા વિદ્યાર્થીઓએ ધો.૧૦ કે ૧૨ ની પરીક્ષાઓ પૂર્ણ કરી અને હવે એના રિઝલ્ટ પણ આવી ગયા. એ બાબતે મારે એટલું જ કહેવું છે આપણે ત્યાં અભ્યાસલક્ષી કારકીર્દીની પરીક્ષાઓ સાથે જોડાયેલા પરિણામોનો એટલો મોટો હાઉ ઉભો કરી દેવાયો છે કે પરિણામ શું આવશે? સારૂ આવશે કે પછી ખરાબ ? એની ચિંતામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ અડધા થઈ જાય છે. ખરેખર મારા મતે તો આ સમય જ હોય છે જયારે આપણે મજબૂત મનોબળ કેળવવાની જરૂર છે અને  આવા સંજોગોમાં સૌથી મહત્વનું એ છે કે પરિણામ જે આવે તે સ્વીકારવાની માનસિક તૈયારી હોવી જોઈએ. ધણીવાર એવું પણ બને છે કે અપેક્ષા મુજબ માર્કસ ન પણ આવે અને એજ કારણે વિદ્યાર્થીઓ નાસીપાસ થાય છે. નિરાશ થાય છે અને આખી જિંદગી સુધી એની અસર રહી જાય છે. જો હું મારી જ વાત કરું તો હું હંમેશા જીવનની દરેક પરીક્ષાઓ માટે તૈયાર રહું છું અને તેને એક તહેવાર તરીકે જ માનીને હોંશે હોંશે એમાં ભાગ લઉં છું અને પછી મારી તમામ શકિત એમાં ઝોંકી દઉં છું.

એક વિદ્યાર્થી તરીકે ભણવાનું, તૈયારી કરવાનું અને પોતાના તરફથી થાય તેટલી તાકાત સંપૂર્ણ રીતે ઝોકી નાખવાની પણ તેમ છતાં જો માર્કસ ઓછા આવે કે ધાર્યું પરિણામ ન પણ મળે તો એક વાત બરાબર સમજી લેવાની જરૂર છે કે આ એક પરીક્ષાના પરિણામથી કંઈ કારકીર્દી કે જીંદગીનો અંત આવી જતો નથી અને શકય હોય તો  મહેનત કરવા માટે નવી પધ્ધતિનો ઉપયોગ કરી નવેસરથી ફરીથી મહેનત કરીને ફરી પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે સફળતા મેળવવા માટે મહેનત કરવા જતાં જો તેમાં નિષ્ફળતા મળે તો પધ્ધતિ બદલો પણ પોતાનું લક્ષ્ય નહિ અને એક નાનકડી પરીક્ષામાં સફળતા ન મળવાથી હવે બીજે કયાંય સફળતા નહિ જ મળે એવું. માનવાને કોઈ અવકાશ જ નથી. રસ્તો કે પડાવના અનુસંધાનમાં જો કહું તો આ એક પડાવ હતો મંઝીલ ન હતી, ત્યાં મજા ન આવી તો આગળ વધો, કદાચ એવું પણ બને કે રસ્તે આગળ જતાં તમને એનાથી પણ સારું સ્થળ મળી આવે.

આજના સમયમાં એટલા બધાં વિવિધ પ્રકારના કોર્સીસ ચાલે છે. જેમાંથી કેટલાક કોર્સીસના નામ સુધ્ધા

પણ ઘણી વાર પહેલી જ વખત સાંભળ્યા હોય અથવા ઘણા લોકો તો સાવ અજાણ જ હોય. આ સંજોગોમાં તો જયાં પુરતી  સફળતા નથી મળી એનાથી આગળ વધી  કઈ કઈ કારકિર્દી એવી છે તેના પર ધ્યાન આપવાથી સમસ્યાનો ઉકેલ આવી શકે છે. આપણી આસપાસ નજર ફેરવીશું તો એવા અનેક સફળ વ્યક્તિઓ નજરે પડશે જેઓ કયાંકને કયાંક અભ્યાસ ક્ષેત્રે કારકીર્દીમાં કોઈ એક તબકકે ઈચ્છિત પરિણામ મેળવી ન શકયા હોય પરંતુ પાછળથી એમણે એ જ ક્ષેત્રમાં અથવા તો કોઈ અન્ય ક્ષેત્રે ડાઈવર્ટ થઈને પોતાની મહેનત દ્વારા શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર કર્યું હોય. આ એટલા માટે હું કહું છું. કેમ કે આના પાછળ મારો કહેવાનો અર્થ ત્યારે જ તમને સમજાશે જયારે તમે તમારી આસપાસના વાતાવરણમાં લોકોનો અભ્યાસ કરશો, એમાના કેટલાય લોકો એવા હશે જેઓ સાવ ઓછા ભણતર સાથે પણ પોતાની કોઠાસુઝથી આગળ વધ્યા હશે અને અથવા તો અભ્યાસના ક્ષેત્રમાં દિશા બદલીને શ્રેષ્ઠ કારકીર્દીનું ઘડતર કરી શક્યા છે. આ વાત નું તાજુ ઉદાહરણ છે “12th Fail “ મુવી જે બધાએ ચોક્કસ જોયી જ હશે. 

ઈશ્વર આપણને દરરોજ કડકડતી નોટ જેવો એક સરસ મજાનો દિવસ આપે છે. જેની સાથે રોજ એક નવી પરીક્ષા શરૂ થાય છે. રોજ માણસે પોતાની ક્ષમતાનું બેસ્ટ પરફોર્મન્સ આપીને એ પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું હોય છે. એટલે આપણે ઈચ્છીએ જ છીએ કે શ્રેષ્ઠ પરિણામ જ આવે પણ માનો કે એવું થતું નથી તો જિંદગી ત્યાં પુરી થઈ જતી નથી કે નથી અટકી પડતી શાંત ચિંતે વિચારવાથી આપણી અંદરની જ ચેતના આપણને રસ્તો બતાવે છે. આપણા અંદર રહેલી સ્કીલ ને જ કારકીર્દી માટેનું સાધન બનાવી શકાય છે. જયાં સેલ્ફ એમ્પ્લોઈઝ થવાની અને સરસ રીતે પગભર થવાની શકયતા રહેલી છે. એવા ઘણા બધાં ક્ષેત્રો છે જે આપણને અનુકૂળ લાગે એ ક્ષેત્ર પસંદ કરી યોગ્ય તાલીમ,માર્ગદર્શન અને  સલાહ લેવાથી ચોક્કસપણે સફળતાપૂર્વક જીંદગીમાં આગળ વધી શકાય છે. પોઝીટીવ થીંકીંગની વિચારોમાંથી એકાદ સૂત્રને જીવી જવાથી આપણને ખુદને જ જીવવાની મજા પડી જાય છે એવું બની શકે છે. જો કોઈવાર હતાશાના કે નિરાશાના  વિચારો આવે ત્યારે કોઈ એક મેદાનમાં ખુલ્લા આકાશ નીચે જઈ ઉભા રહેવું અને આકાશ તરફ જોવું અસીમ આકાશને જોવાથી સમજાઈ શકે કે આપણા માટે પણ આટલા અસીમ ક્ષિતિજો વિસ્તારવાની તકો પડેલી છે.

જિંદગી કયારેય પણ અટકતી નથી. નદીના ખળખળ વહેતા પ્રવાહની જેમ એ પણ સતત વહેતી જ રહે છે અને એમાં ક્યારેક કયારેક અડચણ રૂપી એકાદ ખડક પણ આવી જાય તો શું થયું. જેમ નદીનું પાણી એને ચીરીને આગળ વહી જાય છે. એમ જ અભ્યાસ ક્ષેત્રે કયાંક અપેક્ષા મુજબની સફળતા ન પણ મળે તો એ નિષ્ફળતા ઉપર જ સફળતાની નવી ઈમારતનું સર્જન કરવાની ક્ષમતા ઈશ્વરે દરેક વ્યકિતને આપી જ છે. એ ક્ષમતાનો જરૂર પણે ઉપયોગ કરીને નવી દિશા, નવી હવા અને નવા વિચારોને આવકારવા કદમ માંડવા એ જ જીવનને સફળ બનાવવાની શ્રેષ્ઠ ક્ષણો હોય છે.

છેલ્લે મારે તમામ આપણા  વિદ્યાર્થી મિત્રોને એટલું જ કહેવું છે કે ધો. ૧૦ કે ૧૨ પછી જયારે પણ

કોઈ એક ક્ષેત્રની પસંદગી માટે નિર્ણય લેવાનું આવે ત્યારે ફકત પોતાની પસંદગીના ક્ષેત્રમાં જવા માટેની કોશિશ કરવી કોઈના કહેવા પર કે પછી બીજા લોકોને જોઈ આંધળી દોટ મુકીને જેતે ક્ષેત્ર પર પસંદગી ન ઉતારવી જોઈએ. પછી ભલે ને એ ક્ષેત્રમાં કોઈ એમ કહેતું હોય કે આ ક્ષેત્રમાં કોઈ સ્કોપ નથી અત્યારે... પણ મારું એવું માનવું છે કે જો તમે તમારી પસંદગીના ક્ષેત્ર તરફનો માર્ગ પકડી એમાં આગળ જવાની કોશિશ કરશો તો એ ક્ષેત્રમાં તમારી મહેનતના લીધે તમે ચોક્કસ સફળ થશો. જીંદગીમાં કોઈ કામ અશકય નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી બસ એ જ વાત યાદ રાખી પોતાની કારકીર્દી બનાવવામાં લાગી જાઓ... આશા રાખું છું કે મારા આ વિચારો કોઈ વિદ્યાર્થીને પોતાની કારકિર્દી માટેના નિર્ણયમાં જરૂરી મનોબળ પુરું પાડે....

- ઉમાકાન્ત

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ