🙏 'લાલો – શ્રી કૃષ્ણ સદા સહાયતે': એક એવી ફિલ્મ, જેણે થિયેટરને પણ મંદિર બનાવી દીધું! 🎭
ફક્ત બજેટ નહીં, પણ મેકર્સ ની નિર્મળ ભાવના કલાકારોની સાચા દિલથી કરેલી એક્ટિંગ અને વાર્તામા રહેલી સચ્ચાઇ થી બનેલી એક કથા
ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં 'લાલો' ફિલ્મની સફળતા માત્ર એક આંકડો નથી, પણ એક અનુભૂતિ છે. આ એવી કહાણી છે, જેણે સાબિત કરી દીધું કે ફિલ્મો જોવા માટે કરોડો રૂપિયાના સેટ્સ કે જાણીતા સ્ટાર્સ નહીં, પણ સીધી અને સાચી લાગણીની જરૂર હોય છે. ફિલ્મમાં મુખ્ય પાત્ર 'લાલો'એ એક માસૂમ પ્રશ્ન ઉઠાવ્યો છે: શું ભગવાન ખરેખર પોતાના ભક્તની મદદે દોડી આવે છે? અને આ ફિલ્મે તેનો જવાબ ખૂબ જ સાદગીથી આપ્યો છે. વાર્તામાં કોઈ ચમક-દમક નથી ખૂબ જ સાદગી પૂર્ણ રીતે કહેવાઈ છે, કોઈ મોટા લોકેશન્સ નથી, ફક્ત જૂનાગઢની લોકલ ગલીઓ, પવિત્ર દ્વારકા અને ભાલકા તીર્થના દ્રશ્યો છે, જે સીધા હૃદયને સ્પર્શે છે. આ ફિલ્મે ગુજરાતના લોકલ આત્માને પડદા પર ઉતાર્યો છે.
આ ફિલ્મની સૌથી મોટી સિદ્ધિ એ છે કે તે સોશિયલ મીડિયાની તાકાત પર અને લોકોના 'વખાણ' પર ચાલી છે. રીલીઝ થયાંના શરૂઆતમાં જ્યારે કોઈ પ્રચાર નહોતો, ત્યારે બહુ ઓછા લોકો જોવા જતા હતા, પણ જેમણે જોઈ, તેમણે બીજાને તેના વિષે જણાવ્યું અને તેમના એ શબ્દો અન્ય લોકો ને થિયેટરમાં ખેંચી લાવ્યા. આ પરિણામ છે કે ફિલ્મ આજે રીલીઝ થયાના 44 દિવસ પછી પણ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે!
આ ફિલ્મે ફક્ત થિયેટરો નથી ભર્યા, પણ લોકોના જીવનમાં એક સકારાત્મક ઊર્જા ભરી છે.
આ ફિલ્મ ની સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે તે મારા માતા પિતા જેવા એવા દર્શકોને થિયેટર સુધી લાવવામાં સફળ થઈ છે, કે જેઓ છેલ્લા 20 વર્ષથી ઘરની જવાબદારીઓ અને સારી સામાજિક ફિલ્મોના અભાવે ફિલ્મો થિયેટરમાં જોવાથી દૂર રહ્યા હતા. મારા માતા-પિતાએ પણ આ ફિલ્મ જોઈ, તે સાબિત કરે છે કે આ ફિલ્મ માત્ર મનોરંજન નથી, પણ સામાજિક અને પારિવારિક મૂલ્યોને જીવંત કરતી એક ધાર્મિક વાર્તા છે.
જે લોકો આ ફિલ્મ જોઈને આવ્યા છે, તેઓ તેના અંતિમ ગીત વખતે થિયેટરની અંદર ગરબા કરવા લાગ્યા હોવાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આવું જોતા તો એવું જ લાગે કે આ કોઈ ફિલ્મ નથી,પણ આ એક ધાર્મિક ઉત્સવ છે, જ્યાં ફિલ્મમાં લાલોના સંઘર્ષના અંતે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણની કૃપા વરસે છે, ત્યારે દર્શકોનું હૈયું પણ હરખાઈ ઊઠે છે.
ટૂંકમાં, 'લાલો' ને ફિલ્મ ગણવી કે ધાર્મિક વાર્તા? ખરેખર, તે એક અદભુત અનુભવ છે.
આજે એમ ચોક્કસ કહી શકાય કે આ ફિલ્મને તેના નામ પ્રમાણે – 'શ્રીકૃષ્ણ સદા સહાયતે' – ભગવાન શ્રીકૃષ્ણના 100% આશીર્વાદ અને કૃપા મળી છે, જેનાથી આટલી મોટી સફળતા મળી શકી. આ સફળતા ફક્ત ફિલ્મ મેકર્સની નથી, પણ સમગ્ર ગુજરાતી દર્શક વર્ગની શ્રદ્ધાની છે. ફિલ્મ પરિવારની શ્રદ્ધાની યાત્રા છે!
#લાલો #શ્રીકૃષ્ણસદાસહાયતે #LaloMovie #ગુજરાતીફિલ્મ #દ્વારકાનાથ #ગુજરાત #WordOfMouthSuccess #filmreview


0 ટિપ્પણીઓ